મહિલા કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઇ

            સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે મહિલા કાયદાકિય જાગૃત્તિ શિબિર ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.

               ગુજરાત મહિલા આયોગનાં અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, સને- ૨૦૦૧ માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલા અને બાળ વિભાગની સ્થાપના કર્યા બાદ સને- ૨૦૦૫ માં મહિલા આયોગની રચના કરવામાં આવી હતી. મહિલાઓનો આર્થિક, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે વિકાસ થાય અને પોતાના હક્કો માટે જાગૃત બની  મહિલાઓ પગભર થાય તેવા રાજ્ય સરકારના હેતુને સિધ્ધ કરવા મહિલા આયોગ કામ કરે છે. દરેક જિલ્‍લામાં કાયદાકીય શિબિર કરવામાં આવે છે. જેથી મહિલાઓ કાયદાકિય બાબતો અંગે જાગૃત થાય, રાજ્યમાં એક પણ બહેન રક્ષણથી વંચિત ન રહે તેવો રાજ્ય સરકારનો આશય છે. રાષ્‍ટ્રના વિકાસમાં મહિલાઓની ભૂમિકા મહત્વની છે. સરકારે ૩૦૦ જેટલી મહિલા યોજનાઓ અમલમાં મૂકી છે. તેમણે ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓએ વિવિધ સહાય, આવાસો, પેન્શન સહાય જેવી બાબતોનો લાભ છેવાડાની મહિલાઓને પણ મળતો થાય તેવી જવાબદારીથી કામગીરી કરવી જોઇએ. રાજ્ય સરકારે ૨૬૭ તાલુકામાં નારી અદાલત કાર્યરત કરી છે. આયોગ દ્વારા ૧૮ જેટલી યુનિવર્સિટીમાં ૪૦ હજારથી વધારે વિદ્યાર્થીઓને કાયદાકિય માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ૩૫ લાખ મહિલાઓ તાલીમ મેળવી પગભર થઇ છે. સરકાર દ્વારા ૩૩ ટકા મહિલા અનામત દ્વારા મહિલા સશક્તિકરણમાં સાચા અર્થમાં પ્રયાણ થઇ રહ્યું છે. વધુમાં તેમણે  મહિલાઓને સામાજિક દુષણોમાંથી મુક્તિ મેળવવા સશક્ત થવા અનુરોધ કર્યો હતો. મહિલા આયોગના માર્ગદર્શન દ્વારા શરૂ કરાયેલી ૧૮૧ અભયમ્ ૪૫ લાખથી વધુ મહિલાઓને સુરક્ષા પુરી પાડી છે. મહિલાઓ સક્ષમ બનશે ત્યારે સક્ષમ ભારતનું નિર્માણ થશે. સરકારી યોજનાઓ અને કાયદાકિય જ્ઞાન મેળવી ઉન્નતિના કામો કરવા શ્રીમતી અંકોલીયાએ હિમાયત કરી હતી.

         જિલ્‍લા કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કેએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા દરેક વિભાગોમાં મહિલાલક્ષી યોજના અમલમાં મૂકાય છે. મહિલાઓને મફતમાં શિક્ષણ મળે છે. રાજ્ય સરકારના મહિલા સશક્તિકરણના કાર્યક્રમો અને કાયદાકિય જ્ઞાન થકી અસરકારક પરિણામો આવ્યા છે. મહિલાઓ ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તેવા સરકારના પ્રયાસો છે. જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી સ્તુતિ ચારણે ભાવિ પેઢીના ઘડતરમાં મહિલાઓનો અન્નય ફાળો છે. નારી સશક્ત હશે તો સ્વસ્થ ગુજરાતનું નિર્માણ થઇ શકશે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.

       ગુજરાત મહિલા આયોગના સભ્ય સચિવ અને અધિક કલેક્ટર સુશ્રી વિણાબેન પટેલે મહિલા આયોગ દ્વારા થતી કામગીરીની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારે મહિલા ઉત્કર્ષની યોજનાઓ અમલમાં મૂકી છે. તેનો મહત્તમ લાભ લેવા, NRI મેરેજ બ્યુરો દ્વારા મહિલાઓને થતા અન્યાયો માટે અલગ સેલની ૨૦૦૮ માં રચના કરી અને તેનાથી ૨૦૦ થી વધારે બહેનોને ન્યાય, તમામ તાલુકા મથકે નારી અદાલત, ચૂંટાયેલી બહેનોને તાલીમ, મહિલા સેલ ફ્રી હેલ્પલાઇન, ૧૮ થી ૨૫ વર્ષના યુવા-યુવતીઓને કાયદાકિય જ્ઞાન, બંધારણીય અધિકાર સ્ત્રી-પુરૂષ એક સમાન વગેરે બાબતો પર વિસ્તૃત સમજ આપી હતી.

       આ પ્રસંગે સમરસ મહિલા સરપંચ શ્રીઓ અને બાળકોના આધારકાર્ડ માટે ટેબ્લેટ મારફતે શ્રેષ્ઠ પ્રવૃતિ કરનાર આંગણવાડી કાર્યકરનું સન્માન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મહિલા અગ્રણી શ્રી કૌશલ્યા કુંવરબા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રીમતી નિલાબેન પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રીમતી જયાબેન પટેલ સહિત  જિલ્‍લા પ્રોગ્રામ ઓફિસરશ્રી જિલ્લાની આંગણવાડીની બહેનો, શહેરી-ગ્રામ્ય મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *