મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારની શાળા પ્રવેશોત્‍સવ અંતર્ગત પ્રાંતિજ તાલુકાની મુલાકાત..

મુખ્‍યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે જણાવ્‍યું કે, રાજ્યના બાળકો ભવિષ્‍યના શ્રેષ્‍ઠ નાગરિક બને અને કોઇપણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય તેની વિશેષ ચિંતા રાજ્ય સરકારે કરી છે.

સચિવ શ્રી અશ્વિનીકુમારે આજથી શરૂ થયેલ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્‍સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૧૭ અંતર્ગત સાબરકાંઠા જિલ્‍લાના પ્રાંતિજ તાલુકાના સાબરકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા ખાતે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવતાં ૨૬ બાળકો તથા મોયદ નાથાજી પ્રાથમિક શાળા ખાતે ૨૪ બાળકોને ભારતીય સંસ્‍કૃતિની પરંપરા અનુસાર કંકુતિલક કરી શાળા પ્રવેશ કરાવ્‍યો હતો.  શાળા પ્રવેશ પ્રસંગે સચિવશ્રીએ બાળકોને સ્‍કૂલ બેગ, રમકડાં આપી પ્રોત્સાહિત કર્યા હતા.

શ્રી અશ્વિનીકુમારે જણાવ્‍યું કે, શિક્ષણની ગુણવત્તા તેમજ શિક્ષણની પાયાની સુવિધાથી કોઇ બાળક વંચિત ન રહે તેવા આશયથી હાલના પ્રધાનમંત્રીશ્રી અને પૂર્વ મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી. જેને પરિણામે આજે પ્રાથમિક કક્ષાએ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, ડ્રોપઆઉટ રેશિયો પણ નોંધપાત્ર રીતે ઓછો થયો છે.

શ્રી  નરેન્‍દ્રભાઇ મોદીના આ અભિયાનને મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આગળ વધારી રહ્યા છે. રાજ્ય સરકારના ત્રણ દિવસનાં શાળા પ્રવેશોત્સવનાં આ ભગિરથ અભિયાનમાં મુખ્‍યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ, સંસદીય સચિવશ્રીઓ, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા છે.

શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું કે, શિક્ષણને પ્રોત્સાહન મળે તે માટે શાળાનાં ઓરડાઓ, પૂરતાં શિક્ષકો અને શિક્ષકોની તાલીમ સહિત અનેક બાબતોને પ્રાધાન્‍ય આપી શિક્ષણને ગુણવત્તાયુક્ત બનાવવાના અભિયાનને સુંદર પ્રતિસાદ સાંપડ્યો છે.

આ પ્રસંગે બાળકો શું બનાવવા માંગો છે તેવા પ્રશ્નના જવાબમાં ડોકટર, એન્‍જીનીયર કે ઉચ્ચ શિક્ષણ માટેનો પ્રતિસાદ સચિવશ્રી અશ્વિનીકુમારને આપ્‍યો હતો. તેમણે ઉપસ્‍થિત વાલીઓને શાળામાં શિક્ષકોની સવિશેષ જવાબદારી છે પરંતુ વાલી તરીકે પણ બાળકના શિક્ષણમાં અંગત રસ લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે શાળાના વિકાસ માટે દાન આપનાર દાતાઓનું સચિવશ્રીએ વિશેષ સન્માન કરી પ્રોત્સાહિત કર્યા હતા.

મોયદ ખાતેની આ શાળાની સ્‍થાપના ૧૮૯૨માં થઇ હતી અને આ શાળાનું છેલ્લા ૧૨૫ વર્ષથી આ વિસ્‍તારના બાળકોના શિક્ષણ સિંચન મોટું યોગદાન છે. શાળાના આચાર્યશ્રી અજય પટેલના જણાવ્યા અનુસાર આ શાળામાં બાળકોને શિક્ષણની સાથે જીવન ઘડતરમાં ઉપયોગી તેમજ સ્વવિકાસ માટે સાયકલ પંચર, ઇસ્‍ત્રી, ટપક સિંચાઇ, પ્રકૃતિ જ્ઞાન જેવી કૌશલ્ય વર્ધનની વિશેષ પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે.

 

Click on a tab to select how you'd like to leave your comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *