શ્રૈષ્ઠ શિક્ષક સન્માન કાર્યક્રમ

            શિક્ષણની સાધના, આરધના અને ઉપાસનાનો કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લાના વડાલી શારદા હાઇસ્કૂલ ખાતે ઔધોગિક વિકાસ નિગમના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

                  સાબરકાંઠા જિલ્લા શિક્ષણ પરીવાર દ્વારા આયોજીત શ્રૈષ્ઠ શિક્ષક સન્માન કાર્યક્રમમાં પ્રસંગોચિત ઉદ્દબોધન કરતા ઔધોગિક વિકાસ નિગમના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, પ્રમાણિક અને પારદરર્શિતાના પદાર્થપાઠથી બાળકના શિક્ષણનો પ્રારંભ થાય છે. શિક્ષકને ઇશ્વરના સાક્ષાત્કાર સ્વરૂપ ગણાવતા જણાવ્યું હતુંકે, શિક્ષક પ્રત્યે સમાજની અપેક્ષા વધુ હોય છે કેમ કે, સમાજ ઘડતર સાથે રાષ્ટ્રનિર્માણની જવાબદારી શિક્ષકના શિરે હોય છે. તેમણે શિક્ષકને એક વિધાર્થી ધડતર કરનાર હોવાનું ઉમેર્યુ હતું.

             પ્રાસંગિક પ્રવચન કરતા પૂર્વ અધ્યક્ષ શ્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે,પ્રાચીન સમયમાં વટપલ્લી નગરી એટલે કે હાલનું વડાલી નગર શિક્ષણ નગરી તરીકે ખ્યાતનામ હતી. આજના હરીફાઇના યુગમાં પણ  બાળકોને ગુણવત્તા સભર  શિક્ષણ આપવાનું  કામ સાબરકાંઠા જિલ્લાના શિક્ષકો રાજયના જુદા-જુદા જિલ્લાઓમાં કરી રહ્યા છે. તેમણે રાજયની પ્રવર્તમાન શિક્ષણની રૂપરેખા આપતા ઉમેર્યુ હતું કે, રાજયમાં છેલ્લા થોડા વર્ષ દરમિયાન ૭૫૦૦થી વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. આ ઉપરાંત શાળાઓમાં પાયાની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. એક શિક્ષક તરીકે આપણે કેમ શ્રેષ્ઠ વિધાર્થીનું નિર્માણ ન કરી શકિએ. તેમણે દરેક શિક્ષકને શ્રેષ્ઠ શાળા બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. 

        આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો, પ્રવૃત શિક્ષકોનો સેવાલાભ અને નિવૃત શિક્ષકોનો સન્માન તથા ૧૨૩ સારસ્વતોને પૂર્ણ પગારના કાયમી ઓર્ડર તેમજ ૬  તાલુકા/જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું.

         જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી આર.એસ.ઉપાધ્યાયે સમગ્ર જિલ્લામાં શિક્ષણક્ષેત્રે થયેલા વિકાસના કામોની રૂપરેખા આપી જિલ્લાના જ્ઞાનકુંજ અને શાળાકોષ પ્રોજેકટની વાત કરી મહેમાનોને સ્વાગત આવકાર આપ્યો હતો.

         શિક્ષક દિનની ઉજવણી પ્રસંગે ઇડરના ધારાસભ્ય શ્રી હીતુ કનોડીયા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જયેશભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્તુતિ ચારણ, વડાલી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સમતાબેન સગર, જિલ્લા અગ્રણી શ્રી અશોક જોષી, તખતસિંહ હડિયોલ, ગંગારામ પટેલ, રમણભાઇ પટેલ સહિત શહેરીજનો, શિક્ષણવિદ્દો તેમજ સારસ્વતમિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.   

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *