સાબરકાંઠા – અરવલ્લી જિલ્લાનોં સંયુક્ત કૃષિ મહોત્સવ હિંમતનગર ખાતે યોજાયો..

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણલાલ વોરાએ જણાવ્યું છે કે, કૃષિ મહોત્‍સવનો અર્થપૂર્ણ લાભ ખેડૂતોને મળ્યો છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે અને અર્થતંત્રને વેગવાન બનાવવા માટે કૃષિ મહત્‍વનું માધ્‍યમ છે ત્‍યારે કૃષિ વિકાસના પગલે દેશનો વિકાસ ઝડપથી થશે એમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ  મંત્રી શ્રી ચીમનભાઈ સાપરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સાબરકાંઠા અને અરવલ્‍લી જિલ્‍લાનો સંયુક્ત કૃષિ મહોત્‍સવ હિંમતનગર ખાતે યોજાયો હતો. આ મહોત્‍સવને ખુલ્‍લો મુકતાં અધ્‍યક્ષશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, ગુજરાત સરકારે કૃષિ વિકાસ માટે સવિશેષ પ્રયાસો કર્યા છે. વર્ષ ૧૯૯૫માં પ્રતિ યુનિટ ૫૭ પૈસાના ભાવે વીજળી ઉપલબ્‍ધ હતી અને વર્ષ ૨૦૧૭માં પણ આ જ ભાવે વીજળી ઉ૫લબ્‍ધ છે. એ રીતે ગુજરાત સરકારે વીજળીની સબસીડીનો બોજ ઉપાડીને ખેડૂતો પર બોજ નથી પડવા દીધો. ગુજરાત સરકારે ખેડૂતોને સસ્‍તી વીજળી આપવા અંદાજે ૫ હજાર કરોડની સબસીડી આપી છે. સાથે સાથે ખેડૂતોને માત્ર ૧ ટકાના દરે કૃષિ ધિરાણ અપાય છે.

અધ્‍યક્ષશ્રીએ કૃષિ મહોત્‍સવની ઉપયોગીતાનો ઉલ્‍લેખ કરી જણાવ્‍યું હતું કે, ઉત્‍પાદન ખર્ચ ઘટાડવા-ઉત્‍પાદન વધારવા અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેવા ત્રિવિધ સિધ્‍ધાંતો સાથે કૃષિ મહોત્‍સવનો પ્રારંભ થયો હતો અને આ ત્રણેય બાબતો રાજ્યના ખેડૂતો માટે સાકાર થઇ છે. તેમણે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ગોડાઉન બનાવવા અપાતી સહાયને બિરદાવી હતી.

સાબરકાંઠા અને અરવલ્‍લી જિલ્લાનો ઉલ્લેખ કરી અધ્‍યક્ષશ્રીએ જણાવ્‍યું હતું કે, વર્ષ ૨૦૦૫થી આ બન્‍ને જિલ્‍લાઓએ ખેતી ક્ષેત્રે આમૂલ પરિવર્તન અપનાવ્‍યું છે. તેમણે પશુપાલનને પૂર્ણ વ્‍યવસાયરૂપે અપનાવવા અનુરોધ કર્યો હતો.

કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ  મંત્રી શ્રી ચીમનભાઈ સાપરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રથમ એવું રાજ્ય છે કે જેણે ઓર્ગેનિક  કૃષિ યુનિવર્સિટી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે તેનો લાભ ખેડૂતોને મળશે. વર્ષ ૨૦૦૫થી કૃષિ મહોત્‍સવ શરૂ થયો છે અને આજે પૂર્ણરૂપે સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. રાજ્યમાં ખેડૂતોનું કૃષિ ઉત્‍પાદન વર્ષ ૨૦૦૫માં  રૂ. ૯૦૦૦ કરોડ હતું જે આજે વધીને રૂ. ૧,૨૬,૦૦૦ કરોડ થયું છે. રાજ્યમાં ખેડૂતોને સતત પ્રોત્‍સાહિત કરવા અનેક યોજનાઓ અમલી બનાવી છે. જેના સફળ પરિણામો મળ્યા છે. સાથે સાથે પશુપાલન ક્ષેત્રે પણ ગુજરાતે ખુબ પ્રગતિ કરી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે રાજ્ય અને કેન્‍દ્ર સરકાર સતત પ્રયત્નશીલ હોવાનો ઉલ્‍લેખ કરી મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, ખેડૂતના ખેતરમાં મગફળીનો ભાવ ઉભો હતો ત્‍યારે ગુજરાત સરકારે ટેકાના ભાવથી મગફળી ખરીદવા ૧૦૬ કેન્‍દ્રો શરૂ કરીને      ૧૦૦૦ મેટ્રીક ટન મગફળી રૂ. ૮૮૯ કરોડ રૂપિયાથી ખરીદી હતી. આ જ રીતે ‘તુવેર’ માટે પણ ૧,૪૦,૦૦૦ ટન રૂ. ૬૫૦ કરોડથી ખરીદી કરી હતી. આમ, ખેડૂતોને તેમના પાકના સારા ભાવ મળ્યા છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, ખેડૂતોના ખેતરના રક્ષણ માટે રૂ. ૨૦૦ કરોડની જોગવાઇ બજેટમાં કરીને તાર ફેન્‍સીંગની યોજનાને કાર્યાન્‍વિત કરી છે. એટલું જ નહીં સાબરકાંઠામાં ૬૭,૦૦૦ હેક્ટર અને અરવલ્‍લીમાં ૬૨,૦૦૦ હેક્ટરમાં સુક્ષ્‍મ પિયત પધ્‍ધતિથી ખેતી થાય છે તેને આવકારીને મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, ખેતી ખર્ચ ઘટાડી- વધુ ઉત્‍પાદન મેળવવા ડ્રીપ ઇરીગેશનને અમલી બનાવી છે. સબસીડી વધારીને ૭૦ ટકા અને એસ.સી-એસ.ટી. માટે ૮૫ ટકા સબસીડી અપાય છે. મંત્રીશ્રીએ ખેડૂતોને વીજળી આપવા માટે રાજ્ય સરકારે હાથ ધરેલા પગલાંની જાણકારી આપી હતી અને ખેડૂતો તેનો મહત્તમ લાભ લે તે માટે અનુરોધ કર્યો હતો.

કૃષિ વિભાગના સંસદીય સચિવ શ્રી બાબુભાઇ જે.પટેલે જણાવ્‍યું હતું કે, આપણો દેશ કૃષિ અને ઋષિની સંસ્‍કૃતિ ધરાવતો દેશ છે. એક સમયે કૃષિ અર્થતંત્રનો આધાર હતું. પરંતુ સમાયાંતરે તેના પ્રત્‍યેનું ચિંતન ઘટતું ગયું અને ખેડૂત ‘બાપડો-બિચારો’ બની ગયો. પરંતુ તત્કાલિન મુખ્‍ય મંત્રી અને હાલના વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કૃષિ પ્રત્યેનું ચિંતન વધાર્યું અને કૃષિ મહોત્‍સવ શરૂ કર્યો તેના સારા પરિણામ મળ્યા છે અને આજે ગુજરાત કૃષિ ક્ષેત્રે અગ્રેસર બન્‍યું છે.

સાબરકાંઠા જિલ્‍લા કલેક્ટર શ્રી પી.સ્‍વરૂપે સ્‍વાગત પ્રવચનમાં જણાવ્‍યું હતું કે, સાબરકાંઠા અને અરવલ્‍લી જિલ્‍લો ખેતીક્ષેત્રે અગ્રેસર રહ્યા છે. આ બન્‍ને જિલ્‍લાઓએ કૃષિ ક્ષેત્રે હાથ ધરાયેલ નૂતન અભિગમ – સંશોધનોને આત્‍મસાત્ કર્યા છે. સાથે સાથે સાબરકાંઠા જિલ્‍લાએ મહત્તમ બલ્‍ક કુલર યુનિટ વસાવીને રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્‍યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે રીંગણની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરનાર અરવલ્લી જિલ્લાના ખેડૂત શ્રી શંકરભાઈ પટેલને રાજ્યકક્ષાનો એવોર્ડ એનાયત કરાયો હતો. જ્યારે પશુપાલન, ફળફળાદીના પાકો, શાકભાજી, સજીવખેતી કરતા ખેડૂતોને જિલ્લા-તાલુકા કક્ષાના એવોર્ડ મહાનુભાવોના હસ્તે અપાયા હતા. આ જ રીતે શ્રેષ્ઠ દૂધ ઉત્પાદન કરતા પશુપાલકોનુ સન્માન કરાયું હતું. સાથે સાથે ખેડૂતોને ફેન્સીંગ વાડ માટે પૂર્વ મંજૂરી હુકમ,  ગોડાઉન સહાય, બી.એમ.સી.યુ, સહાય, દૂધ ભેળસેળ ચકાસણી મશીન,દૂધ ઘર સહાય, ખાતર વિક્રેતાઓને પી.ઓ.એસ મશીન , સોલર પાવર પ્લાન્ટ ટોપ રૂફ કોલ્ડ સ્ટોરેજ પૂર્વ મંજૂરી હુકમ, સફળ બાગાયત ખેતી અને મધમાખી ઉછેર- સફળ પશુપાલકોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે બાગાયત વિકાસ વાટિકા પુસ્‍તિકાનું વિમોચન કરાયું હતું.

આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોએ રોગ નિયંત્રણ વગેરે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, ભાજપાના પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ, સાબર ડેરીના ચેરમેન શ્રી જેઠાભાઇ પટેલ, કિસાન મોરચાના અધ્‍યક્ષ શ્રી બાબુભાઇ જેબલીયા, ધારાસભ્‍ય શ્રી રાજેન્‍દ્રસિંહ ચાવડા, પૂર્વ મંત્રી શ્રી ગોરધનભાઇ ઝડફિયા, પૂર્વ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, સાબરકાંઠા જિલ્‍લા ભાજપા પ્રમુખ શ્રી જે.ડી. પટેલ, અરવલ્‍લી ભાજપા પ્રમુખ શ્રી રણવીરસિંહ ડાભી, પૂર્વ મંત્રી શ્રી વી.ડી.ઝાલા, અરવલ્‍લીના પ્રભારી સચિવ શ્રી આર.એમ.જાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષ વ્‍યાસ, અરવલ્‍લી જિલ્‍લાના કલેક્ટર તથા જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી, અગ્રણીઓ તથા ખેડૂતો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

 

Click on a tab to select how you'd like to leave your comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *