સાબરકાંઠા જિલ્લાના પાલ દઢવાવ ખાતે વીરાંજલી વનનું લોકાર્પણ

.રૂા.૧.૪૧ કરોડના ખર્ચે નવનિર્મિત પી.એચ.સી. સબ સેન્ટરનું લોકાર્પણઃ

૧૪૮૦ બીટ ગાર્ડને નિમણૂંક પત્રો અપાયા

           મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ૬૮માં વન મહોત્સવનો રાજ્ય પ્રારંભ કરાવતા જાહેર કર્યું કે, ગુજરાતમાં દસ કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ રાજ્ય સરકાર સાકાર કરશે. એક બાળ – એક ઝાડનો સંકલ્પ પાર પાડવા તેમણે જનસમૂહને આહવાન કર્યું હતું.

        શ્રી વિજયભાઇ રૂપાણીએ સાબરકાંઠાના અંતરિયાળ વિસ્‍તાર પાલ-દઢવાવમાં વીરાંજલી વનનો લોકાર્પણ કરી રાજ્યવ્યાપી વન મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.

        મુખ્યમંત્રીશ્રીએ વૃક્ષો-વનોથી ગ્લોબલ વોર્મિગના તારણોપાય અને ક્લાયમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા રાજ્ય સરકારે જનજાગૃતિ જગાવી છે તેની વિશદ્ ભૂમિકા આપી હતી. તેમણે સૌર પવન, પાણી જેવા કુદરતી સંશાધનોનો વિનિયોગ કરીને તથા વૃક્ષાચ્છાદિત વિસ્‍તાર વધારીને પર્યાવરણ જતનની નેમ દર્શાવી હતી.

        આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્ય સરકારની કચેરીઓમાં સૌર ઉર્જાનો ઉપયોગ વ્યાપક બનાવવાની દિશામાં પણ રાજ્ય સરકાર આગળ વધી રહી છે.

           મુખ્યમંત્રીશ્રીએ આ વન મહોત્સવ પ્રારંભ વેળાએ સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિજાતિ ગામોમાં આરોગ્ય સુવિધા પહોંચાડવા ૧૨ પેટા આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ચાર કરોડ ૪૧ લાખના ખર્ચે અર્પણ કર્યા હતા.

        રાજ્યના વન વિભાગમાં નવ નિયુક્તિ પામેલા વન કર્મીઓ બીટ ગાર્ડ એવા ૧૪૮૦ યુવક-યુવતિઓને તેમણે નિમણૂંક પત્રો અર્પણ કર્યા હતા.

        શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉજ્જવલા યોજના અંતગર્ત આદિજાતિ બહેનોને ગેસ કીટ અર્પણ કરી હતી. તેમણે  ગ્રીન ગુજરાત-કલીન ગુજરાતના નારા સાથે રાજ્યને હરિયાળું બનાવવામાં જનસહયોગની અપેક્ષા વ્યકત કરી હતી.

        મુખ્યમંત્રીશ્રીએ તેમની સરકાર ગરીબો..વંચિતો.. શોષિતો.. પિડીતોની સરકાર છે તેની ભૂમિકા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આદીવાસી વિસ્તારની શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરવાની સાથે સાત મેડીકલ કોલેજોની મંજુરી આ સરકારે આપી છે. આદીજાતીના બાળકને ડોકટરો બની આ વિસ્તારની સેવા કરવાની તક પૂરી પાડી છે.

        મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના અન્ય વિસ્તારોના વિકાસ સાથે આદિજાતિ વિસ્તાર પણ સમય સાથે વિકાસ પામે એવું નક્કર આયોજન કર્યું છે.

        મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પાંચ વર્ષમાં પાંચ કરોડ ગેસ કનેકશન આપવાનો સંકલ્પ કર્યો છે. તેના ભાગરૂપે આજે ૬૦૦ લોકોને ગેસ કનેકશન આપવામાં આવ્યા છે. જેનાથી ગ્રીન ગુજરાતના સંકલ્પ સાથે પર્યાવરણની જાળવણી પણ થાય છે.

        મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પને લઇ માત્ર ગાંધીનગરમાં ઉજવાતા વન મહોત્સવ રાજ્યમાં પ્રજા વચ્ચે લઇ જવામાં આવ્યા તેના પરિણામ  સ્વરૂપે રાજ્યના વિવિધ વિસ્‍તારોમાં વિવિધ વન નિર્માણ પામ્યા છે. આજે પાલમાં વીરોને અંજલિ આપવા વિરાંજલી વનનું નિર્માણ તેમની સ્મૃતિ હંમેશા ચિરંજીવ રાખી ભાવાંજલીરૂપ રહેશે.

        તેમણે જણાવ્યું કે, પાલ પ્રવાસીઓ માટે પ્રવાસનનું કેન્દ્ર બની રહેશે. ગુજરાતમાં પ્રથમ રાઉન્ડમાં મેઘરાજાની મહેરબાની થઇ છે ત્યારે, સૌએ વૃક્ષ ઉછેરવાની તક લેવી તે આપણી નૈતિક ફરજ છે. તેમજ આ વર્ષે ૧૦ કરોડ વૃક્ષો રાજ્ય સરકાર વાવશે.

        છોડમાં રણછોડ છે ત્યારે વધુ વૃક્ષો વાવી ગુજરાત આ ક્ષેત્રે પણ નંબર વન બને તે અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ૬૦૦ જેટલા ગેસ કનેકશન આપવામાં આવ્યા હતા. સાથોસાથ વન વિભાગ દ્વારા પ્રકાશિત ક્લાઇમેટ ચેન્જ તેમજ પાલ દઢવાવ અંતર્ગત પુસ્તકનું વિમોચન કર્યું હતું.

             વન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, વનવાસી વિસ્તારમાં આ વન મહોત્સવનું અનેરૂ મહત્વ છે. પ્રજાકીય ભાગીદારી વધે તેવા આશયથી વન મહોત્સવની ઉજવણી રાજ્યના જિલ્લાઓમાં શરૂ કરી છે. આપણી સંસ્કૃતિ એ વૃક્ષમાં ભગવાનના દર્શનની સંસ્કૃતિ છે.

               છેલ્લા ૧૦ વર્ષમાં વૃક્ષોની સંખ્યામાં ૨૦ ટકા નો વધારો થયો છે તે જ પુરવાર કરે છે કે રાજ્ય સરકાર વન સંરક્ષણ-જતન-સંવર્ધન માટે કટિબધ્ધ છે આજ રીતે રાજ્યના દેશના ગૌરવ સમા એશિયાઈ સિંહોની વસ્તી પણ વધી છે.

             તેમણે જણાવ્યું કે, ૧૩ લાખ એકર જમીન આદિજાતિ સમાજના વિકાસ માટે રાજ્ય સરકારે આપીને આ સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધતા દર્શાવી છે. મંત્રીશ્રીએ વન અધિકાર મંડળી દ્વારા ૮ લાખ લોકો વન સંરક્ષણ માટે સહભાગી થયા છે એમ તેમણે ઉમેર્યું હતું.

             વન રાજ્ય અને આદિજાતિ કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી શબ્દ શરણ તડવીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, પાલ ચિતરીયાના શહીદોને વીરાંજલી વન સ્વરૂપે શ્રધ્ધાંજલી રૂપે નિર્માણ પામ્યું છે. જે શહીદોની સ્મૃતિને હંમેશા તાજી રાખશે. વન વિભાગના આ વીરાંજલી વન આવનારા દિવસોમાં પ્રવાસનનું કેન્દ્ર બનશે તેઓ વિશ્વાસ વ્યકત કર્યો હતો.

        આદિજાતિ વિકાસ નિગમના અધ્યક્ષ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું કે વિજયનગરને પોળો પછી વીરાંજલી વન રાજ્યનું બીજુ નજરાણું છે. તેમણે આ પહાડી-વન વિસ્તાર હોવા છતાં વીજળી, રોડ, શિક્ષણ જેવા અનેક વિકાસકામોની વિગતો આપી હતી.

        મુખ્યમંત્રીશ્રીએ અંગ્રેજોના જુલ્‍મ સામે આઝાદી સંગ્રામમાં વીરગતિ પામનાર વનવાસી શહીદોની સ્મૃતિમાં બનાવાયેલ શહીદવન ની પણ મુલાકાત લઇ શ્રધ્ધાંજલિ અર્પી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ  ૨ પી.એચ.સી., ૧૦-સબ સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું હતું. સાથે સાથે વન્ય અધિકાર પત્રો, ચેક વિતરણ અને સનદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

        આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણલાલ વોરા, વનમંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, જિલ્લાના પ્રભારી અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી વલ્લભભાઇ કાકડીયા, વન રાજ્ય મંત્રી શ્રી શબ્દ શરણ તડવી, ધારાસભ્યો સર્વશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ભારતીય જનતા પક્ષના જિલ્લા પ્રમુખ શ્રી જે. ડી. પટેલ, અન્ય પદાધિકારીઓ, વન વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરવિંદ અગ્રવાલ, જિલ્લા કલેકરટ શ્રી પી.સ્વરૂપ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષ વ્યાસ, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતાં.

 

 

Click on a tab to select how you'd like to leave your comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *