સેન્ટરમાં પ્લગ નર્સરીમાં ધરુનો ઉછેર…. ખેડૂતોને સમૃધ્ધિના ફળ…

         ભોજનમાં શાકનું મહત્વ અનેરૂ છે… શાક વિનાનું ભોજન અધુરુ ગણાય તેમ હવે સાબરકાંઠા જિલ્લાના ખેડૂત સમીરભાઈના જીવનમાં પણ શાક્નું મહત્વ સવિશેષ છે… તેમના ખેતરમાં થતી શાકભાજીએ અનેક લોકોના રસોડામાં સ્થાન લીધુ છે. સમીરભાઈ દર વર્ષે અંદાજે રૂ. ૫૦ લાખનો માતબર ફાયદો આ ખેતીમાંથી મેળવે છે…

            પણ સમીરભાઈ આ સ્થિતિએ કઈ રીતે પહોંચ્યા…? જવાબ છે ‘વદરાડનું સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ..’ ‘ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ..’ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક વદરાડ ખાતે આવેલું આ સેન્ટર
શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે સમૃધ્ધિની કેડી કંડારનારું બન્યું છે…ભારત સરકારે ઈઝરાયલ સાથે એગ્રીકલ્ચર વર્કપ્લાન અંતર્ગત કૃષિ ટેકનોલોજીનાં આદાન-પ્રદાન અંગે દ્વિપક્ષીય કરાર કરવામાં આવ્યા છે. તે અંતર્ગત રાજ્યમાં વિવિધ ટેકનોલોજીનાં નિદર્શન તેમજ એપ્લાઈડ રીસર્ચ માટે ૩ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. વદરાડનું વેજીટેબલ સેન્ટર આ પૈકીનું એક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલના વડાપ્રધાનશ્રી પણ આગામી સપ્તાહે આ સેન્ટરની મુલાકાત લેનાર છે. ગીર સોમનાથ જિલ્લાના તલાલા ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેન્ગો તથા ભુજ જિલ્લાના કુકમા ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ખારેક પણ આ પૈકીના જ કેન્દ્રો છે.
સમીરભાઈ પટેલ આમ તો બી.એસ.સી કેમેસ્ટ્રીનું શિક્ષણ મેળવીને કોઈ મોટી કંપનીમાં મોભાદાર નોકરી મેળવી શક્યા હોત.. પણ તેમણે બાપદાદાના વારસામાં મેળવેલી ખેતીમાં અત્યંત ચીલાચાલુ ખેતી કરતા હતા.. તેમની પોતાની ૨૦ વિઘા જમીનમાં શાકભાજીની ખેતી કરતા…ત્યારબાદ વદરાડ ખાતે શરુ થયેલા સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલની મુલાકાત લીધી…સેન્ટરનું માર્ગદર્શન મેળવ્યું.. કઈ રીતે ખેતી કરવી…? કેટલું પાણી આપવું..? કયું ધરૂ
વાપરવું..? બસ સમીરભાઈએ સેન્ટરના માર્ગદર્શનથી શાકભાજીનું વાવેતર શરુ કર્યું… સમીરભાઈએ એટલેથી સંતોષ ના માન્યો…તેમણે આસપાસના ખેડૂતોની જમીન વાવવા માટે ભાડે લીધી…અંદાજે ૩૦૦ વિઘા જમીનમાં તેઓ રીંગણ, બટાકા, મરચા, લાલ કોબીઝ, ફ્લાવર, વગેરેની ખેતી કરે છે.. અને માન્યામાં ન આવે તેમ અધધધ.. કહી શકાય તેવી રીતે રૂ. ૫૦ લાખનો માતબર નફો કરે છે.
તેઓ કહે છે કે… ‘૩૦૦ વિઘા પૈકી મેં ૧૧૦ વિઘા જમીનમાં બટાકા વાવ્યા છે.. એક કંપની સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે.. નક્કી કરેલા ભાવે તેઓ મારી પાસેથી બટાકા ખરીદે છે.. એટલે મારે બઝાર શોધવા નથી જવું પડતું.. સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલના કારણે મને મોટો ફાયદો થયો છે… અમે પહેલા જમીનમાં ધરૂ ઉગાડતા હતા પણ તેનો જોઈએ એટલો ફાયદો નહતો થતો… સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલમાંથી પ્લગ નર્સરીમાં ઉગાડેલુ ધરૂ અમારે માટે માતબર ઉત્પાદન આપનારું પુરવાર થયું છે…’ સમીરભાઈના પત્ની દક્ષાબેન પણ ખેતીમાં મદદરૂપ થાય છે. સમીરભાઈ બહારના કામ સંભાળે છે જ્યારે દક્ષાબેન સ્થાનિક કામ સંભાળે છે…ખેતરમાં ડ્રીપ અને સોલાર પેનલ પણ નંખાવી છે એટલે પાણી અને વીજળી એમ બન્નેનો ખર્ચ અત્યંત ન્યુનતમ આવે છે..કૃષિ ક્ષેત્રે જ્યારે દેશ વિકાસ કરી રહ્યો છે, ત્યારે બાગાયતી પાકોનો તેમાં ફાળો વિશેષ સ્થાન ધરાવે છે. ગુજરાત રાજ્ય બાગાયતી પાકોની ખેતી તેમજ ઉત્પાદન માં પણ મોખરાનું સ્થાન ધરાવે છે. રાજ્યમાં શાકભાજી પાકોની ખેતી નો વ્યાપ વધી રહ્યો છે તેવા સમયમાં ઉચ્ચતમ ટેકનોલોજી, નિદર્શન, માર્ગદર્શન, તાલીમ વિ. મળી રહે તે હેતુથી ઈન્ડો-ઈઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત ખાતે સૌપ્રથમ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ કાર્યરત કરાયું જેની મુખ્ય કામગીરી શાકભાજી ની ખેતીની વિવિધ પધ્ધતિઓની તાલીમ, રાહતદરે રોગ મુક્ત ધરૂ ઉછેર, શાકભાજી પાકો તથા તેની જાતોના નિદર્શનો, ગ્રીનહાઉસ તથા નેટહાઉસના પાકોના નિદર્શન અને માહિતી, શાકભાજીની રક્ષિત ખેતી માટે નવી જાતોનું સ્ક્રિનીંગ કરવું, ચોકસાઈપૂર્વક (Precision Farming) ખેતી વિશે નિદર્શન અને સમજણ આપવી, શાકભાજીના ગ્રેડીંગ, પેકિંગ અને કાપણી પછીના વ્યવસ્થાપન માટેની શ્રુંખલાનું નિદર્શન કરવું, ઇન્ડો-ઇઝરાયેલ ટેકનૉલોજીની આપ-લે વિ. છે.
ગુજરાત રાજ્યનું એક માત્ર સેન્ટર જ્યાં એક જ સ્થાન ઉપર આશરે ૨ હેક્ટર વિસ્તારમાં જુદા-જુદા પ્રકારના ૨૦ જેટલા રક્ષિત ખેતીના સ્ટ્રકચર આવેલ છે. જેમાં હાઈ-ટેક ફેન એન્ડ પેડ ગ્રીન હાઉસ, વિવિધ ઉંચાઈના પોલી હાઉસ, જુદા-જુદા રંગના શેડ નેટ હાઉસ, ઈન્સેક્ટ નેટ હાઉસ, વોક ઈન ટનલ નો સમાવેશ થાય છે. તદઉપરાંત શાકભાજીના ધરૂં ઉત્પાદન તેમજ વેજીટેબલ ગ્રાફટીંગ માટે અધતન પ્લગ નર્સરી અનુક્રમે ૨૦૦૦ ચો.મી તેમજ ૫૦૦ ચો.મી ની પણ બનાવવામાં આવેલ છે. જેના દ્રારા ખેડુતો રાહતદરે રોગ મુક્ત ધરૂ મેળવી શકે. નાયબ બાગાયત નિયામક શ્રી જે.કે.પટેલ કહે છે કે, ‘‘ દેશમાં આવા ૨૮ સેન્ટર પૈકી ૮ સેન્ટર માત્ર શાકભાજી માટે છે. અહીંનું સેન્ટર તે પૈકીનું એક છે. પહેલા આપણે ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદન ઘણું ઓછુ થતુ હતું. ઈઝરાયલ હેક્ટર દીઠ વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર છે ત્યારે ત્યાંની ટેકનોલોજી અહીં અપનાવવા માટે આપણે ઈઝરાયલ સાથે કરાર કર્યા છે..

            અહીં ખેડૂતોએને પાણી અને ખાતર વ્યવસ્થાપનની સાથે સાથે કાપણી પછીના વ્યવસ્થાપન માટે તાલીમ અપાય છે. ખેડૂતો માટે અહીં અમે તાલીમનું પણ આયોજન કરીએ છીએ… આ સેન્ટર શરુ થયું ત્યારથી અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધુ ખેડૂતોએ અહી તાલીમ લીધી છે એમ તેઓ ઉમેરે છે…’’
૨ હેકટરમાં ખુલ્લા ખેતરમાં શાકભાજીની વિવિધ ટેકનોલોજીના નિદર્શન પ્લોટ, જર્મીનેશન ચેમ્બર, માઈક્રો ઈરીગેશન, ફર્ટીગેશન માટે ઓટોમાઈઝેશન યુનિટ, રેઈન વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચર, શાકભાજીના ગ્રેડીંગ-શોર્ટીંગ માટેનું મોડેલ પેક હાઉસ, રીટેઈલ આઉટલેટ, અધ્યતન તાલીમ કેન્દ્ર તેમજ વહીવટી સંકુલ વિ આ સેન્ટરના અન્ય આકર્ષણો છે. પ્રાંતિજ તાલુકાના અન્ય ખેડૂત શ્રી ઘંશ્યામભાઈએ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલનું માર્ગદર્શન લઈને પોતાની નર્સરી શરુ કરી છે. તેઓ કહે છે કે ..‘ હું પણ પહેલા માત્ર ખેતી કરતો હતો.. હું સેન્ટરની નિયમિત મૂલાકાત લૌ છુ.. અને તેના પગલે ખેતીની સાથે સાથે મેં નર્સરી શરુ કરી છે. હું પણ પ્લગ નર્સરીમાં ધરૂનો ઉછેર કરુ છુ અને ખેડૂતોને વેચુ છુ… આસપાસના ખેડૂતો આ ધરૂને ઉગાડીને વધુ ઉત્પાદન કરતા થયા છે. મારી નર્સરીનું ટર્નઓવર અંદાજે રૂપિયા દોઢ કરોડનું છે એમ તેઓ ઉમેરે છે…’
અત્રે ઉલ્લેખનીય છે કે આ સેન્ટરની ૩૫,૦૦૦ થી વધુ ખેડૂતોએ મુલાકાત લીધી છે. ઉપરાંત અહીં વાર્ષિક શાકભાજીના ૩૦ લાખ ધરૂ તૈયાર કરીને ખેડૂતોને અપાય છે.. “અત્યાર સુધી ખેડૂતો વિજાપુર તાલુકાના માઢી ખાતેથી ધરૂ
લેતા હતા પરંતુ હવે ખેડૂતો પ્લગ નર્સરી તરફ વળ્યા છે” એમ શ્રી પટેલ કહે છે…
વદરાડના સેન્ટરમાં ખેડૂતો બિયારણ આપી જાય અને તેનું ધરૂ ૨૫-૩૦ દિવસમાં તૈયાર કરીને પ્રતિ ધરૂ રૂપિયા ૧ ના ભાવે તેમને પરત અપાય છે. રિંગણ, મરચા, ટામેટા, તડબૂચ, ટેટી, કારેલી., કોબીઝ, ફ્લાવર, કલર કેપ્સીકમ, જેવા બિયારણમાંથી ધરૂ તૈયાર કરાય છે જેથી જે તે પાકનો ઉત્પાદન સમયગાળો ઘટી
જાય અને ખેડૂતોને ફાયદો થાય. આમ ગુજરાતના એક માત્ર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલથી ખેડૂતો સમૃધ્ધિના નવા શીખરો સર કરી રહ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *