હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે અભયમ મહિલા સંમેલન યોજાયું

જિલ્લામાં અભયમ્ અને અન્યક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદાન કરનાર મહિલાઓનું સન્માન

              સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે મહિલાઓના સર્વાંગી વિકાસ તથા મહિલા સુરક્ષાના ઉદ્દેશને અનુલક્ષી અભયમ્ મહિલા સંમેલન હિંમતનગરના માર્કેટ યાર્ડ ખાતે યોજાયું હતું.

        અભયમ્ મહિલા સંમેલનનું પોલીસ આવાસ નિગમના ચેરમેન શ્રી શ્રી ડી.ડી. પટેલે દીપ પ્રગટાવી ઉદ્વધાટન કર્યું હતું.

            જિલ્લામાંથી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને ૧૮૧ અભયમ્ હેલ્પ લાઇન એપનું પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપી તમામ મહિલાઓને ૧૮૧ હેલ્પલાઇન ડાઉન લોડ કરવા જણાવ્યું હતું. ચેરમેન શ્રી ડી.ડી. પટેલે જણાવ્યું હતું કે, મહિલાઓના સશક્તિકરણ માટે મહિલાલક્ષી રાજય સરકારની યોજનાઓનો લાભ લઇ મહિલાઓ સન્માનભેર, સ્વાવલંબી પગભર અને ગૌરવપૂર્ણ જીવનની અધિકારી બને તે જરૂરી છે.  વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, સદીઓથી ભારતીય સંસ્કૃતિ અને સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓનો ફાળો અતિ મહત્વનો રહ્યો છે. મહિલાઓની સુરક્ષા માટે ટેકનોલોજીના ઉપયોગથી ૧૮૧ અભયમ્ હેલ્પલાઇન દ્વારા રાજય સરકારે આગવી પહેલ કરી ગુજરાત સજ્જ બન્યું છે તેથી જ સ્ત્રીઓને અભયમ દ્વારા રક્ષા કવચ મળ્યુ છે એમ તેમણે ઉમેર્યુ હતું.

         આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ૧૮૧ અભયમ્ હેલ્પલાઇન દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

           મહિલા સંમેલનમાં હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, પ્રાંતિજના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રતનબેન સુતરીયા, જિલ્લા સમાહર્તા શ્રી પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્તુતિ ચારણ, મહિલા અગ્રણી શ્રી કૌશલ્યાકુંવરબા, નિલાબેન પટેલ સહિત મોટી સંખ્યાં મહિલાઓ ઉપસ્થિત રહેલ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *