સાબરકાંઠા જિલ્લા પંચાયતની સામાન્‍યસભા યોજાઇ

        સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ કુંપાવતએ નાણાંકીય વર્ષ સને ૨૦૧૮-૧૯ નું અંદાજપત્ર તથા નાણાંકીય વર્ષ સને ૨૦૧૭-૧૮ નું સુધારેલ અંદાજપત્ર સર્વે સભ્યશ્રીઓ પાસે આજની જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં મંજુરી અર્થે મુકવામાં આવેલ જેને સર્વે એ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ.

       આગામી નાણાંકીય વર્ષ સને ૨૦૧૮-૧૯ માટે જિલ્લા પંચાયતની કુલ આવકો રૂ. ૮૬૫.૧૬ કરોડ જેટલી દરમ્યાન કુલ રૂ. ૮૬૨.૬૬ કરોડ ખર્ચ અંદાજવામાં આવેલ છે. જે પૈકી રૂ. ૭.૫૯ કરોડ સ્વભંડોળ સદરે તેમજ રૂ. ૮૪૧.૨૩ કરોડ સરકારી સદરે ખર્ચ થવાની સંભાવના છે. આમ સમગ્ર રીતે જોઈએ તો સ્વભંડોળ સદરે રૂ. ૨.૫૦ કરોડ જેટલી બચતો રહેવા સંભાવના છે.
જિલ્લા પંચાયતના ચાલુ નાણાંકીય વર્ષ સને ૨૦૧૭-૧૮ માટે સુધારેલ અંદાજો મુજબ જિલ્લા પંચાયતની આવકો રૂ. ૮૫૦.૭૫ કરોડ તથા ખર્ચ રૂ. ૮૪૫.૪૫ કરોડ થવા સંભવ છે.

           આગામી નાણાંકીય વર્ષ સને ૨૦૧૮-૧૯ માટેનું સાબરકાંઠા જિલ્લા પંચાયતનું પુરાંતવાળા અંદાજપત્રની જોગવાઈઓ પૈકી સ્વભંડોળ સદરે કરવામાં આવેલ કેટલીક જોગવાઈઓ નીચે મુજબ છે.

 જિલ્લાના અંતરીયાળ વિસ્તારો માટે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા સારૂ કુલ રૂ. ૯૯૬૪.૮૦ લાખ (રૂ.૧૩૩.૮૦ લાખ સ્વ-ભંડોળના તથા રૂ.૯૮૩૧.૦૦ લાખ સરકારી પ્રવ્રુત્તિઓ) ની જોગવાઈ પંચાયત અને વિકાસ શાખા ધ્વારા સુચવવામાં આવી છે. સદરહું જોગવાઈઓ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં લોકોની પાયાની સુવિધામાં વધારો કરશે. જેમાં વિકાસના કામો સદરસ્યશ્રીઓની દરખાસ્ત અનુસાર કામો માટે રૂ.૧.૨૬ કરોડનો સમાવેશ થાય છે.

      જિલ્લાના છેવાડાના વિસ્તારના બાળકોમાં શિક્ષણનું સ્તર સુધરે અને તેમનો
સર્વાંગી વિકાસ થાય તેમજ આવા બાળકો ભવિષ્યના શ્રેષ્ઠ નાગરીકો બને તેવા ઉદ્દેશ સાથે શિક્ષણ ક્ષેત્રે આગામી વર્ષ માટે કુલ રૂ.૩૮૭૭૩.૯૦ લાખ (રૂ.૨૦.૮૦ લાખ સ્વ-ભંડોળ તથા રૂ. ૩૮૭૫૩.૧૦ લાખ સરકારી પ્રવૃત્તિઓ)ની જોગવાઈ સુચવવામાં આવી છે આરોગ્ય, કુટુંબ કલ્યાણ, આયુર્વેદ તેમજ પોષણ ક્ષેત્રે આગામી વર્ષ માટે કુલ રૂ. ૪૬૪૫.૫૦ લાખ (રૂ.૬.૫૦લાખ સ્વ-ભંડોળ તેમજ રૂ.૪૬૩૯.૦૦ લાખ સરકારી પ્રવૃત્તિઓ)ની જોગવાઈ સુચવવામાં આવી છે. આ જોગવાઈમાં નેત્ર યજ્ઞ, ડાયાબિટીસ, તેમજ અન્ય રોગ માટે નિદાન કેમ્પ યોજવા અને આયુર્વેદ દવાખાનામાં સુવિધાઓ વધારવા રૂ. ૨.૦૦ લાખ તેમજ અંબાજી પગપાળા યાત્રિકો માટે દવા તેમજ અન્ય સુવિધા વિગેરેના ખર્ચ માટે કુલ રૂ.૧.૫૦ લાખની જોગવાઈનો સમાવેશ થાય છે.

 જિલ્લાના ગ્રામીણ વિસ્તારના પશુધન માટે સારવારની શ્રેષ્ઠ સુવિધાઓ તથા તાલીમ શિબીરો તેમજ ગ્રામ કક્ષાએ મૃત પશુઓના નિકાલના સ્થળે રોગચાળો ન ફેલાય તે માટે દવા ખરીદી તેમજ હોઈસ ટ્રેવિસ આપવા માટે કુલ રૂ.૯૮૧.૦૦ લાખ (રૂ.૩.૫૦લાખ સ્વ-ભંડોળ તેમજ રૂ.૯૭૭.૫૦ લાખ સરકારી પ્રવૃત્તિઓ)ની જોગવાઈ પશુપાલન ક્ષેત્રે સુચવવામાં આવી છે,

 જિલ્લાના અંતરીયાળ વિસ્તારના લોકો તેમજ બાળકો ઈન્ટરનેટના આજના જમાનામાં દુનિયા સાથે કદમ થી કદમ મિલાવી શકે તેમજ વાઈ-ફાઈ ઈન્ટરનેટના માધ્યમથી ઉપલબ્ધ બનતી સેવાઓનો મહત્તમ લાભ લઈ શકે તેવા આશયથી ડીજીટલ સેતુ કાર્યક્રમ અંતર્ગત ઈન્ટરનેટ-વાઈ-ફાઈની સુવિધાઓ તથા જિલ્લા પંચાયતની વેબસાઈટના સતત સંચાલન વગેરે હેતુ માટે જિલ્લાની આંકડા શાખા ધ્વારા આગામી નાણાંકીય વર્ષ માટે કુલ રૂ.૬૭.૯૫ લાખ (રૂ.૨૨.૯૫ લાખ સ્વ-ભંડોળ તેમજ રૂ.૪૫.૦૦ લાખ સરકારી પ્રવૃત્તિઓ)ની જોગવાઈ સુચવવામાં આવી છે.

 સમાજના નબળા વર્ગના લોકોના કલ્યાણ તેમજ વિકાસ માટે કલ્યાણકારી આવશ્યક પ્રવૃત્તિના વ્યાપ વધારવાના હેતુસર પશુ ખેંચવાની હાથલારી ખરીદીમાં સહાય પેટે રૂ. ૨.૦૦ લાખ, તેમજ સામાજિક ન્યાય નિધીમાં તબદિલ કરવાની રકમ રૂ.૧૦.૦૦ લાખ તેમજ અનુ.જાતિના મહોલ્લામાં પાણીની સુવિધા તેમજ વિકાસના સામુહિક કામોની સુવિધા માટે રૂ. ૨૦.૦૦ લાખ તથા શિક્ષણ ક્ષેત્રે અનુ.જાતિના છાત્રાલયોને છાત્રોની સુવિધા અંગે રૂ. ૧૦.૦૦ ની જોગવાઈઓ જેવી મુખ્ય જોગવાઈઓ મળી કુલ રૂ. ૧૦૬૬.૫૦ લાખ (રૂ.૪૩.૫૦લાખ સ્વ-ભંડોળ તેમજ રૂ.૧૦૨૩.૦૦ લાખ સરકારી પ્રવૃત્તિઓ)ની જોગવાઈ સમાજ કલ્યાણ ક્ષેત્રે સુચવવામાં આવી છે.

આજની આ બજેટ બેઠકમાં જીલ્લા પંચાયતનાં ઉપ પ્રમુખશ્રી, વિવિધ કમિટીઓના ચેરમેનશ્રીઓ, વિરોધ પક્ષના નેતાશ્રી, તમામ જીલ્લા પંચાયત સદસ્યશ્રીઓ,જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ(આઈ.એ.એસ), નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી અને તમામ શાખાધિકારીઓ ઉપસ્થિત રહેલ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *