સાબરકાંઠા જીલ્‍લા પંચાયતની સામાન્‍યસભા યોજાઇ

           ​​સાબરકાંઠા જીલ્લા પંચાયત ખાતે તા- ૧૮- જાન્યુઆરી-૨૦૧૭ નાં રોજ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ કુંપાવતના અધ્યક્ષપદે સામાન્ય સભાની બેઠક યોજાઈ. જેમાં જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબ આપવામાં આવેલ. આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ, કારોબારી ચેરમેનશ્રી હર્ષદભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી મણીભાઈ પટેલ, જાહેર બાંધકામ સમિતિ ચેરમેનશ્રી અભેસિંહ ઝાલા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેનશ્રી શ્રીમતી રતનબેન સુતરીયા,આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી દીવાનજી ઠાકોર, ખેત ઉત્પાદન અને સિંચાઈ સમિતિ ચેરમેન શ્રી રણછોડભાઈ અંગારી,૨૦ મુદ્દા અમલીકરણ સમિતિ ચેરમેનશ્રી આનંદભાઈ લેબોલા, મહિલા બાળકલ્યાણ અને યુવા પ્રવૃત્તિ સમિતિ ચેરમેન શ્રીમતી નીરુબા પરમાર અને વિરોધ પક્ષના નેતા શ્રી મહેન્દ્રસિંહ તથા જીલ્લા પંચાયતના તમામ સદસ્યો અને તમામ શાખાધીકારીશ્રીઓ ઉપસ્થિત રહેલ.

ભારત-ઇઝરાયલના પ્રધાનમંત્રીશ્રીઓની વદરાડ સેન્ટર ઓફ એક્સલન્સની મુલાકાત

        વદરાડ સેન્ટર ઓફ એક્સલન્સના તાલીમ માર્ગદર્શનથી અમારું કૃષિ ઉત્પાદન વધ્યું અને આર્થિક સ્થિતિ સુધરી ’’

           સાબરકાંઠા જિલ્લાના વદરાડ ખાતે ભારત-ઇઝરાયેલના સહયોગથી તૈયાર થયેલા સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ઇઝરાયલના વડા શ્રીયુત બેન્જામીન નેતાન્યાહુએ પ્રગતિશીલ ખેડુતો સાથેના સંવાદ દ્વારા તેમની સાફલ્યગાથા જાણી હતી. ભારત-ઇઝરાયલની સહભાગીદારી અને કૃષિ ક્ષેત્રે ઇન્ડો-ઇઝરાયલના સહકારના ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. ખેડુતોએ આ સેન્ટર ઓફ એક્સલન્સથી કૃષિ-આર્થિક ક્ષેત્રે આવેલા પરિવર્તનને દોહરાવ્યું હતું.

          પ્રાંતિજ તાલુકાના મામરોલી ગામના વતની ઘનશ્યામભાઇ પટેલે જણાવ્યું હતું કે અગાઉ હું પરંપરાગત અને ચીલાચાલુ પધ્ધતિથી ખેતી કરતો હતો. સેન્ટર ઓફ એક્સલન્સની મુલાકાત અને તાલીમથી ધરૂ ઉછેર દ્વારા ઓફ સીઝન પાક લેવાનું શરૂ કર્યુ અને ઉનાળાના દિવસોમાં પણ કોબી અને ફલાવર ઉત્પાદિત કરી બજારમાં મુક્યા. તેઓ કહે છે કે મેં એક હેકટર જમીનમાં ધરૂ દ્વારા ખેતી કરીને વર્ષે રૂ.દોઢ કરોડની કમાણી કરી છે.

            હિંમતનગરના મયુર પટેલને બિયારણનો વેપાર છે. આ વેપારને કારણે તેઓ ઘણાં દેશોમાં ફર્યા છે. ઘણી નર્સરીની મુલાકાત લીધી છે પરંતું આ કેન્દ્રની મુલાકાતને કારણે બિયારણ ઉત્પાદનમાં ટેકનોલોજીના ઉપયોગને જાણવા મળ્યો. તેઓ કહે છે કે ’’ અહીં તાલીમ મેળવીને મે અધતન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા નર્સરી શરૂ કરી અને મને છ મહિનામાં રૂ. ૩૦ લાખનો ફાયદો થયો.’’

                આવુ જ વિજાપુર તાલુકાના માઢી ગામના ખેડુત રાકેશ પટેલ કહે છે તેઓ જમીનમાં કયારા બનાવી પરંપરાગત પધ્ધતિથી ધરૂ ઉછેર કરતા પણ આ સેન્ટર ઓફ એક્સલન્સની તાલીમ અને ટેકનોલોજીના જ્ઞાન દ્વારા સોઇલ લેસ કલ્ચર પધ્ધતિથી દોઢ હેકટરમાં ધરૂ ઉછેર્યા અને વર્ષે રૂ. એક કરોડ ચાલીસ લાખનું ટર્ન ઓવર કર્યુ.

          પ્રાંતિજ તાલુકાના મોટીદાઉ ગામના સરોજબેન પટેલ પરંપરાગત ખેતી કરતા હતા. આ સેન્ટરની મુલાકાત બાદ અહીંની ગ્રીન હાઉસ ટેકનોલોજી જેવી અનેકવિધ કૃષિ પધ્ધતિની જાણકારી મેળવી. સરોજબેને ખીરા કાકડી અને ગલગોટા જેવા સામાન્ય પાકનું પણ આધુનિક ટેકનોલોજીની મદદથી ઉત્પાદન શરૂ કર્યુ અને સૌના આશ્વર્ય વચ્ચે એક એકરમાંથી તેમણે વર્ષે રૂ.૧૦ લાખનું ઉત્પાદન મેળવ્યું. તેઓ કહે છે ’’ખેડુતોએ અને ખાસ કરીને મહિલા ખેડુતોએ અધતન કૃષિ ટેકનોલોજી વિશે જાણકારી મેળવી આગળ વધવું જોઇએ’’.

                નર્મદા જિલ્લાના ગંગાપુરના કરીયાભાઇ વસાવાએ પણ નર્સરીમાંથી તાલીમ મેળવી મરચાં-રીંગણ-કોબી ફલાવરની પ્લગ નર્સરી કરી અને ૨૫ લાખ જેટલું વળતર મેળવ્યું. તેઓ પણ કહે છે કે હવે ટેકનોલોજીની માહિતી દ્વારા ખેડુતોએ પ્રગતિશીલ બનવું પડશે.

               આથી એક ડગલું આગળ પ્રાંતિજ તાલુકાના મામરોલી ગામના ખેડુતશ્રી સમીરભાઇ પટેલે જયારે આ સેન્ટરમાં તાલીમ મેળવી ૧૨ એકર જમીનમાં ફ્લાવરનું વાવેતર કરીને ૪૯૦ ટનનું ઉત્પાદન મેળવ્યું અને ૪૫ લાખ રૂપિયાનું ટર્ન ઓવર કર્યુ ત્યારે અન્ય ખેડુતમિત્રોએ પણ તેમની જેમ જ આધુનિક ખેતીનો રાહ અપનાવવા તૈયારી દર્શાવી.

                ખેડુતોની આ કૃષિ પ્રગતિને સાંભળીને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ઇઝરાયલના પ્રધાનમંત્રીશ્રી નેતાન્યાહુએ ધરતીપુત્રોના પ્રગતિશીલ અભિગમને બિરદાવ્યો હતો.

ઇડર ખાતે કુપોષણ નિવારણ અંતર્ગત કાર્યશાળા યોજાઇ

            કુપોષણના કલંકને નાબૂદ કરવા અને સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટેના એક સહિયારા પ્રયાસ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ઇડર ડાયેટ કોલેજ ખાતે કુપોષણ નિવારણ વિષય પર કાર્યશાળા યોજાઇ હતી.

               આ પ્રસંગે ઉપસ્થિત આરોગ્ય કમિશ્નર અને જિલ્લા પ્રભારી સચિવશ્રી શ્રીમતી જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્રારા સંકલિત બાળ વિકાસ વિભાગ થકી બાળકોના કુપોષણ નિવારણ માટે સતત પ્રયત્નશીલ છે. જેના માટે અનેકવિધ કાર્યક્રમો અમલમાં મૂકેલમાં છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની ૧૯૨૩ આંગણવાડીઓમાં બાળકોને પુરક પોષણ આપવામાં આવે છે.

             કલેકટર શ્રી પી.સ્વરૂપે જણાવ્યું હતુ કે, ૦થી ૬ વર્ષના બાળકોના પોષણ અને આરોગ્ય સ્થિતિ સુધારવાના પ્રયાસ હાથ ધર્યો છે. જેના થકી બાળકો યોગ્ય માનસિક શારીરિક અને સામાજીક વિકાસના પાયાનું ઘડતર થાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે બાળકોને દૂધ સંજીવની યોજના હેઠળ આવરી લઇ તંદુરસ્તી આપવાનું શ્રેષ્ઠ કાર્ય આંગણવાડી દ્રારા કરવામાં આવે છે.

               જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષ વ્યાસે  માતૃ મંડળ અને સખી મંડળ થકી ગરમ નાસ્તો રાંધવાનો એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.જેમાં પુરક પોષણની ખોરાકની ગુણવત્તા પણ જાળવવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, બાળકોના આહાર સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી તેમના વિકાસને ગતિ આપવાનું કામ કરાય છે.

        વડાલી તાલુકા માટે કુપોષણ નિવારણનો પાયલોટ પ્રોજેકટને મહાનુભવોના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યશાળામાં યુનિસેફના વડા શ્રીમતી કવીતા શર્મા, ઇડર પ્રાંત અધિકારી શ્રી અજીત દેસાઇ, હિંમતનગર પ્રાંત અધિકારી શ્રીમતી નિશા શર્મા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ઉપાધ્યાય, જિલ્લા આરોગ્યોગ્ય અધિકારી શ્રી ડૉ.મનિષ ફેન્સી, પ્રોગ્રામ ઓફિસર શ્રી ડૉ.પ્રકાર મિસ્ત્રી, શ્રેષ્ઠ શિક્ષકો સહિત આંગણવાડી કાર્યકરો અને આરોગ્ય કાર્યકરો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.

સંકલિત બાળ વિકાસ યોજનાના અધિકારી/કર્મચારીઓની બેઠક યોજાઇ

                જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ (આઈ.એ.એસ) ની અધ્યક્ષતામાં જીલ્લા પંચાયત ખાતે સંકલિત બાળ વિકાસ યોજના કાર્યક્રમ નાં સી.ડી.પી.ઓ અને મુખ્ય સેવીકાબહેનોની બેઠક યોજાઈ.

                       આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રીએ ઉપસ્થિત સર્વેને  કુપોષણ નાબુદી  માટે આગામી સમયમાં કેવી રીતે કામગીરી કરવામાં આવશે તે અંગે માર્ગદર્શિત કરવામાં આવેલ. ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં આંગણવાડીના બાળકો અને કિશોરીઓમાં કુપોષણ નાબુદી માટે કરવામાં આવેલ વિશેષ કામગીરીથી સર્વેને માહિતગાર કરવામાં આવેલ.આગામી સમયમાં આરોગ્ય,શિક્ષણ અને સંકલિત બાળ વિકાસ યોજના નાં ટીમવર્કથી સમગ્ર જીલ્લામાં કેવીરીતે કામગીરી કરવામાં આવશે તે  અંગે માર્ગદર્શિત કરવામાં આવેલ.

        આ બેઠકમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી ડો. પ્રકાશ મિસ્ત્રીએ જીલ્લાની સમગ્ર ટીમને  કુપોષણ નાબુદી ના જંગ માટે કટિબદ્ધ બનવા જણાવેલ.

 

નારી સંમેલન

           મહિલાઓના પ્રશ્નોના સરળતાથી હાલ કાઢી શકાય ,બિન ઔપચારિક ન્યાય પ્રણાલિકાઓ અંગે જાણકારી આપી શકાય અને મહિલા સશક્તિકરણ ના હેતુથી ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા ઇડર પાવાપુરી જૈન મંદિર  અને નગરસેવા સદન તલોદ ખાતે નારી સંમેલન યોજાયું.

            આ સંમેલન માં સમારંભ ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત જીલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ કુંપાવતએ બહેનોને  સંબોધતા જણાવ્યુકે નારી શક્તિસ્વરૂપા  અને  પૂજનીય છે. પ્રાચીન કાળથી આપણે સહુએ નારીશક્તિને માન સન્માન આપ્યુછે. મહિલાઓના હક્ક, માન, સન્માન માટે બહેનોએ કાયદા દ્વારા પણ મેળવી શકાય અને સહુ સાથે સદવર્તન થી મેળવી શકાય છે. સરકારશ્રીએ મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત વિશેષ જોગવાઈઓ,કાયદા અને યોજનાઓ દ્વારા નારીનું સમાજમાં સન્માન વધારવા સકારાત્મક પ્રત્યનો કરેલછે.

             જીલ્લા વિકાસ અધિકારીશ્રીએ બહેનો ને  સંબોધતા જણાવ્યુંકે સરકારશ્રીએ મહિલાઓને રોજગારી મળે અને મહિલાઓ પગભર થાય તે માટે મહિલા અનામતની ટકાવારીમાં વધારો કરેલ છે. જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી માં મનરેગા, મિશન મંગલમ અને અન્ય યોજના ઓ દ્વારા બેન્કોમાંથી નાણાકીય સહાયની જોગવાઈઓ કરવામાં આવેલ છે. જે  દ્વારા ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની મહિલાઓના જીવનધોરણ માં સુધારો લાવી શકાય છે. સખી મંડળ અને સ્વસહાય જૂથો કાર્યાન્વિત થતા ગ્રામ્યકક્ષાએ મહિલાઓ વધુ સંગઠિત બની છે.

          જીલ્લા કલેકટરશ્રીએ સંબોધનમાં જણાવ્યુકે આપણે કુપોષણનાં દૈત્યને દુર કરવા  કટિબદ્ધ થવાનું છે. જે પરિવારમાં માતા સશકત હશે તો પરિવારનું આરોગ્ય પણ સારું હશેજ. બહેનોએ આગળ આવી દરેક ક્ષેત્રે ભાગ લેવો જોઈએ. શિક્ષણ, રમત-ગમત જેવા ક્ષેત્રોમાં ભાગ લઈને સમાજમાં પોતાનું આગવું સ્થાન ઉભું કરવું જોઈએ.

          જીલ્લાના મહિલા આગેવાન કુ. કૌશલ્યા કુંવરબા એં મહિલા સશક્તિકરણ , મહિલાઓના વિશેષ કાયદાઓ તેમજ મહિલા આયોગ કેવી રીતે મદદરૂપ બને તે અંગે જરૂરી માર્ગદર્શન આપેલ.

          ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગરથી વિશેષ ઉપસ્થિત  ઉપસચિવશ્રીએ મહિલાઓને કાયદાઓમાં કેવા વિશેષાધિકાર આપવામાં આવે છે તે અંગે વિગતે માર્ગદર્શન આપેલ.

             તલોદ ખાતેનાં કાર્યક્રમમાં તલોદ પ્રાથમિક શાળાની દીકરીએ બેટી બચાવો અંગે સુંદર એકપાત્રીય અભિનય કરી ઉપસ્થિત સહુને ભ્રૂણહત્યા ન કરવા નો સંકલ્પ અપાવેલ.

 

              આજના આ નારી સંમેલનમાં ઇડર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી એક્તાબને પટેલ, તલોદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વિજયાબા ઝાલા,બાંધકામ સમિતિ ચેરમેનશ્રી અભેસિંહ ઝાલા, અચલા સંસ્થા હિમતનગર નાં સદસ્યાશ્રી, જીલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો,આઈ.સી.ડી .એસ. નાં પ્રોગ્રામ ઓફિસરશ્રી ડો. પ્રકાશ મિસ્ત્રી, પ્રાંત અધિકારીશ્રી ઇડર, આંગણવાડી કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહેલ.

સેન્ટરમાં પ્લગ નર્સરીમાં ધરુનો ઉછેર…. ખેડૂતોને સમૃધ્ધિના ફળ…

         ભોજનમાં શાકનું મહત્વ અનેરૂ છે… શાક વિનાનું ભોજન અધુરુ ગણાય તેમ હવે સાબરકાંઠા જિલ્લાના ખેડૂત સમીરભાઈના જીવનમાં પણ શાક્નું મહત્વ સવિશેષ છે… તેમના ખેતરમાં થતી શાકભાજીએ અનેક લોકોના રસોડામાં સ્થાન લીધુ છે. સમીરભાઈ દર વર્ષે અંદાજે રૂ. ૫૦ લાખનો માતબર ફાયદો આ ખેતીમાંથી મેળવે છે…

            પણ સમીરભાઈ આ સ્થિતિએ કઈ રીતે પહોંચ્યા…? જવાબ છે ‘વદરાડનું સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ..’ ‘ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ..’ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક વદરાડ ખાતે આવેલું આ સેન્ટર
શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે સમૃધ્ધિની કેડી કંડારનારું બન્યું છે…ભારત સરકારે ઈઝરાયલ સાથે એગ્રીકલ્ચર વર્કપ્લાન અંતર્ગત કૃષિ ટેકનોલોજીનાં આદાન-પ્રદાન અંગે દ્વિપક્ષીય કરાર કરવામાં આવ્યા છે. તે અંતર્ગત રાજ્યમાં વિવિધ ટેકનોલોજીનાં નિદર્શન તેમજ એપ્લાઈડ રીસર્ચ માટે ૩ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. વદરાડનું વેજીટેબલ સેન્ટર આ પૈકીનું એક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલના વડાપ્રધાનશ્રી પણ આગામી સપ્તાહે આ સેન્ટરની મુલાકાત લેનાર છે. ગીર સોમનાથ જિલ્લાના તલાલા ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેન્ગો તથા ભુજ જિલ્લાના કુકમા ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ખારેક પણ આ પૈકીના જ કેન્દ્રો છે.
સમીરભાઈ પટેલ આમ તો બી.એસ.સી કેમેસ્ટ્રીનું શિક્ષણ મેળવીને કોઈ મોટી કંપનીમાં મોભાદાર નોકરી મેળવી શક્યા હોત.. પણ તેમણે બાપદાદાના વારસામાં મેળવેલી ખેતીમાં અત્યંત ચીલાચાલુ ખેતી કરતા હતા.. તેમની પોતાની ૨૦ વિઘા જમીનમાં શાકભાજીની ખેતી કરતા…ત્યારબાદ વદરાડ ખાતે શરુ થયેલા સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલની મુલાકાત લીધી…સેન્ટરનું માર્ગદર્શન મેળવ્યું.. કઈ રીતે ખેતી કરવી…? કેટલું પાણી આપવું..? કયું ધરૂ
વાપરવું..? બસ સમીરભાઈએ સેન્ટરના માર્ગદર્શનથી શાકભાજીનું વાવેતર શરુ કર્યું… સમીરભાઈએ એટલેથી સંતોષ ના માન્યો…તેમણે આસપાસના ખેડૂતોની જમીન વાવવા માટે ભાડે લીધી…અંદાજે ૩૦૦ વિઘા જમીનમાં તેઓ રીંગણ, બટાકા, મરચા, લાલ કોબીઝ, ફ્લાવર, વગેરેની ખેતી કરે છે.. અને માન્યામાં ન આવે તેમ અધધધ.. કહી શકાય તેવી રીતે રૂ. ૫૦ લાખનો માતબર નફો કરે છે.
તેઓ કહે છે કે… ‘૩૦૦ વિઘા પૈકી મેં ૧૧૦ વિઘા જમીનમાં બટાકા વાવ્યા છે.. એક કંપની સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે.. નક્કી કરેલા ભાવે તેઓ મારી પાસેથી બટાકા ખરીદે છે.. એટલે મારે બઝાર શોધવા નથી જવું પડતું.. સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલના કારણે મને મોટો ફાયદો થયો છે… અમે પહેલા જમીનમાં ધરૂ ઉગાડતા હતા પણ તેનો જોઈએ એટલો ફાયદો નહતો થતો… સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલમાંથી પ્લગ નર્સરીમાં ઉગાડેલુ ધરૂ અમારે માટે માતબર ઉત્પાદન આપનારું પુરવાર થયું છે…’ સમીરભાઈના પત્ની દક્ષાબેન પણ ખેતીમાં મદદરૂપ થાય છે. સમીરભાઈ બહારના કામ સંભાળે છે જ્યારે દક્ષાબેન સ્થાનિક કામ સંભાળે છે…ખેતરમાં ડ્રીપ અને સોલાર પેનલ પણ નંખાવી છે એટલે પાણી અને વીજળી એમ બન્નેનો ખર્ચ અત્યંત ન્યુનતમ આવે છે..કૃષિ ક્ષેત્રે જ્યારે દેશ વિકાસ કરી રહ્યો છે, ત્યારે બાગાયતી પાકોનો તેમાં ફાળો વિશેષ સ્થાન ધરાવે છે. ગુજરાત રાજ્ય બાગાયતી પાકોની ખેતી તેમજ ઉત્પાદન માં પણ મોખરાનું સ્થાન ધરાવે છે. રાજ્યમાં શાકભાજી પાકોની ખેતી નો વ્યાપ વધી રહ્યો છે તેવા સમયમાં ઉચ્ચતમ ટેકનોલોજી, નિદર્શન, માર્ગદર્શન, તાલીમ વિ. મળી રહે તે હેતુથી ઈન્ડો-ઈઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત ખાતે સૌપ્રથમ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ કાર્યરત કરાયું જેની મુખ્ય કામગીરી શાકભાજી ની ખેતીની વિવિધ પધ્ધતિઓની તાલીમ, રાહતદરે રોગ મુક્ત ધરૂ ઉછેર, શાકભાજી પાકો તથા તેની જાતોના નિદર્શનો, ગ્રીનહાઉસ તથા નેટહાઉસના પાકોના નિદર્શન અને માહિતી, શાકભાજીની રક્ષિત ખેતી માટે નવી જાતોનું સ્ક્રિનીંગ કરવું, ચોકસાઈપૂર્વક (Precision Farming) ખેતી વિશે નિદર્શન અને સમજણ આપવી, શાકભાજીના ગ્રેડીંગ, પેકિંગ અને કાપણી પછીના વ્યવસ્થાપન માટેની શ્રુંખલાનું નિદર્શન કરવું, ઇન્ડો-ઇઝરાયેલ ટેકનૉલોજીની આપ-લે વિ. છે.
ગુજરાત રાજ્યનું એક માત્ર સેન્ટર જ્યાં એક જ સ્થાન ઉપર આશરે ૨ હેક્ટર વિસ્તારમાં જુદા-જુદા પ્રકારના ૨૦ જેટલા રક્ષિત ખેતીના સ્ટ્રકચર આવેલ છે. જેમાં હાઈ-ટેક ફેન એન્ડ પેડ ગ્રીન હાઉસ, વિવિધ ઉંચાઈના પોલી હાઉસ, જુદા-જુદા રંગના શેડ નેટ હાઉસ, ઈન્સેક્ટ નેટ હાઉસ, વોક ઈન ટનલ નો સમાવેશ થાય છે. તદઉપરાંત શાકભાજીના ધરૂં ઉત્પાદન તેમજ વેજીટેબલ ગ્રાફટીંગ માટે અધતન પ્લગ નર્સરી અનુક્રમે ૨૦૦૦ ચો.મી તેમજ ૫૦૦ ચો.મી ની પણ બનાવવામાં આવેલ છે. જેના દ્રારા ખેડુતો રાહતદરે રોગ મુક્ત ધરૂ મેળવી શકે. નાયબ બાગાયત નિયામક શ્રી જે.કે.પટેલ કહે છે કે, ‘‘ દેશમાં આવા ૨૮ સેન્ટર પૈકી ૮ સેન્ટર માત્ર શાકભાજી માટે છે. અહીંનું સેન્ટર તે પૈકીનું એક છે. પહેલા આપણે ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદન ઘણું ઓછુ થતુ હતું. ઈઝરાયલ હેક્ટર દીઠ વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર છે ત્યારે ત્યાંની ટેકનોલોજી અહીં અપનાવવા માટે આપણે ઈઝરાયલ સાથે કરાર કર્યા છે..

            અહીં ખેડૂતોએને પાણી અને ખાતર વ્યવસ્થાપનની સાથે સાથે કાપણી પછીના વ્યવસ્થાપન માટે તાલીમ અપાય છે. ખેડૂતો માટે અહીં અમે તાલીમનું પણ આયોજન કરીએ છીએ… આ સેન્ટર શરુ થયું ત્યારથી અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધુ ખેડૂતોએ અહી તાલીમ લીધી છે એમ તેઓ ઉમેરે છે…’’
૨ હેકટરમાં ખુલ્લા ખેતરમાં શાકભાજીની વિવિધ ટેકનોલોજીના નિદર્શન પ્લોટ, જર્મીનેશન ચેમ્બર, માઈક્રો ઈરીગેશન, ફર્ટીગેશન માટે ઓટોમાઈઝેશન યુનિટ, રેઈન વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચર, શાકભાજીના ગ્રેડીંગ-શોર્ટીંગ માટેનું મોડેલ પેક હાઉસ, રીટેઈલ આઉટલેટ, અધ્યતન તાલીમ કેન્દ્ર તેમજ વહીવટી સંકુલ વિ આ સેન્ટરના અન્ય આકર્ષણો છે. પ્રાંતિજ તાલુકાના અન્ય ખેડૂત શ્રી ઘંશ્યામભાઈએ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલનું માર્ગદર્શન લઈને પોતાની નર્સરી શરુ કરી છે. તેઓ કહે છે કે ..‘ હું પણ પહેલા માત્ર ખેતી કરતો હતો.. હું સેન્ટરની નિયમિત મૂલાકાત લૌ છુ.. અને તેના પગલે ખેતીની સાથે સાથે મેં નર્સરી શરુ કરી છે. હું પણ પ્લગ નર્સરીમાં ધરૂનો ઉછેર કરુ છુ અને ખેડૂતોને વેચુ છુ… આસપાસના ખેડૂતો આ ધરૂને ઉગાડીને વધુ ઉત્પાદન કરતા થયા છે. મારી નર્સરીનું ટર્નઓવર અંદાજે રૂપિયા દોઢ કરોડનું છે એમ તેઓ ઉમેરે છે…’
અત્રે ઉલ્લેખનીય છે કે આ સેન્ટરની ૩૫,૦૦૦ થી વધુ ખેડૂતોએ મુલાકાત લીધી છે. ઉપરાંત અહીં વાર્ષિક શાકભાજીના ૩૦ લાખ ધરૂ તૈયાર કરીને ખેડૂતોને અપાય છે.. “અત્યાર સુધી ખેડૂતો વિજાપુર તાલુકાના માઢી ખાતેથી ધરૂ
લેતા હતા પરંતુ હવે ખેડૂતો પ્લગ નર્સરી તરફ વળ્યા છે” એમ શ્રી પટેલ કહે છે…
વદરાડના સેન્ટરમાં ખેડૂતો બિયારણ આપી જાય અને તેનું ધરૂ ૨૫-૩૦ દિવસમાં તૈયાર કરીને પ્રતિ ધરૂ રૂપિયા ૧ ના ભાવે તેમને પરત અપાય છે. રિંગણ, મરચા, ટામેટા, તડબૂચ, ટેટી, કારેલી., કોબીઝ, ફ્લાવર, કલર કેપ્સીકમ, જેવા બિયારણમાંથી ધરૂ તૈયાર કરાય છે જેથી જે તે પાકનો ઉત્પાદન સમયગાળો ઘટી
જાય અને ખેડૂતોને ફાયદો થાય. આમ ગુજરાતના એક માત્ર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલથી ખેડૂતો સમૃધ્ધિના નવા શીખરો સર કરી રહ્યા છે.

 

સરપંચશ્રીઓ ની શિબિર

       જીલ્લા પંચાયત અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તા- ૨૭- ડીસેમ્બર નાં રોજ કલેકટર કચેરીના સભાખંડ ખાતે જીલ્લા નાં સરપંચશ્રીઓ અને તલાટી- કમ મંત્રીશ્રીઓની એક દિવસીય કાર્યશાળા યોજાઈ. ગ્રામવિકાસના પાયાનાં એકમ એવા પ્રજાના પ્રતિનિધિ એવા સરપંચશ્રી અને તલાટી નો ગ્રામ વિકાસમાં મહત્વનો ફાળો હોય છે. સરકારશ્રી દ્વારા વખતોવખત નવીન યોજનાઓની જાહેરાત કરવામાં આવેછે તેમજ  ચાલુ યોજનાઓમાં જરૂરી સુધારા કરવામાં આવેછે. ગ્રામજનો સુધી આ અંગેની જાણકારી સરપંચ અને તલાટીશ્રી દ્વારા  પહોચાડવામાં આવેછે. આજની કાર્યશાળામાં જીલ્લાના અધિકારીશ્રીઓ દ્વારા ઉપસ્થિત સર્વેને વિવિધ યોજનાઓ અંગે પાવર પોઈન્ટ પ્રેજન્ટેશન દ્વારા જરૂરી જાણકારી આપવામાં આવેલ.

         જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ (આઈ.એ.એસ) એ સરપંચશ્રીઓને સંબોધતા જણાવ્યું કે ગામના સમગ્રતયા વિકાસ માટે ગામના સર્વ સંમતિથી પસંદ કરેલ ગ્રામજનો દ્વારા વિલેજ ડેવલોપમેન્ટ પ્લાન બનાવી જુદી-જુદી યોજનાઓના લાભાર્થીનો અગ્રતાક્રમ નક્કી કરવા જોઈએ. આપણે સરકારશ્રીની નિયત ગાઈડલાઈન્સ મુજબ છેવાડા માનવી સુધી પાયાની સુવિધાઓ પહોચાડવાનું આપણું લક્ષ્ય છે. ગ્રામવિકાસ બહુમોટો વિષય છે , જેમાં માત્ર રોડ- રસ્તા અને લાઈટની વ્યવસ્થા સુધી સીમિત નથી પરંતુ દરેક પરિવારના સામાજિક- આર્થિક સમૃદ્ધિ પણ ગ્રામ વિકાસ નો એક ભાગજ છે.

   જીલ્લા ગ્રામવિકાસ એજન્સી નાં નિયામક (ઈ.ચા) શ્રી એ.એમ.દેસાઈ એ ઉપસ્થિત સર્વેને સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવીકે એસ.બી.એમ,મનરેગા,વોટરશેડ, સખીમંડળ, સ્માર્ટ વિલેજ માપદંડ તેમજ અન્ય યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપેલ.

   કાર્યશાળામાં વિશેષ ઉપસ્થિત જીલ્લા કલેકટર શ્રી પી.સ્વરૂપ (આઈ.એ.એસ)એ સહુને સંબોધતા જણાવ્યું કે આપણે ગ્રામવિકાસ સાથે ગ્રામજનોનું આરોગ્ય અને સ્વચ્છતા પણ બહુજ અગત્યના છે. સરકારશ્રીએ તાજેતરમાં બાળકો અને કિશોરીઓમાં કુપોષણનાં પ્રમાણ ની જાણકારી માટે બી.એમ.આઈની તપાસ કરાવેલ છે. હાલમાં રાજ્યમાં સર્ગભા માતાઓ અને બાળકોમાં કુપોષણ નાબુદી માટે સરકારશ્રી વિવિધ કાર્યક્રમો અમલમાં લાવી રહી છે. પંચાયતીરાજ માં પ્રજાના પ્રતિનિધિ  તરીકે સરપંચશ્રીએ પણ બહુ ગંભીરતા સાથે આ બાબતે જરૂરી દરેક વિભાગ સાથે સંકલનમાં રહીને કામગીરી કરવી પડશે.સર્ગભા માતાઓના રસીકરણ, આયરન ટેબ્લેટ અને આંગણવાડી કેન્દ્રમાંથી જરુરીપુરક આહારની કીટ તેમજ આજ પ્રમાણે બાળકોમાટેના પુરક આહાર અને સંપૂર્ણ રસીકરણ અંગે સંબધિત કર્મચારીઓને જરૂરી સહકાર આપી કામગીરી કરાવવાની રહેશે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પણ આપણે લોકસહકારથી જરૂરી કામગીરી કરાવવાની છે. આરોગ્ય અને સ્વચ્છતા બન્ને એકબીજા સાથે જોડાયેલ છે.

   આજના વર્કશોપમાં ઉપસ્થિત સરપંચશ્રીઓએ પણ તેમના ગામોમાં લોકસહકાર મેળવી કરવામાં આવેલ કામગીરી અંગે સર્વેને વિગતવાર જાણકારી આપેલ.

 

સ્વચ્છ ભારત મિશન(ગ્રા) અન્વયે એવોર્ડ

                  સરકારશ્રી દ્વારા ૨૦૧૪ થી સ્વચ્છતા અભિયાન ની શરૂઆત કરવામાં આવેલછે. સ્વચ્છ ભારત મિશન(ગ્રા) અન્વયે રાષ્ટ્રીય કક્ષાએ યોજનાના તમામ માપદંડથી કામગીરીને સ્વચ્છતા દર્પણની વેબસાઈટ પર નિયમિત રીતે અપલોડ કરવામાં આવેલ છે.
આ તમામ કામગીરીને ધ્યાને લેતા દેશના ૬૮૬ જીલ્લાઓ પૈકી દેશમાં ૫૦ જીલ્લા પ્રથમ કમાકે આવેલ છે. જે પૈકી ગુજરાતના ૧૯ જીલ્લા પ્રથમ કમાકે પસંદગી પામેલ છે. આ ૧૯ જીલ્લાઓમાં સાબરકાંઠા જિલ્લાએ ૭મો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.
આ સિદ્ધિને સન્માનિત કરવા તા- ૨ ઓક્ટોબર ગાંધી જયંતી નાં રોજ મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર ખાતે ‘ખુલ્લામાં શૌચમુકત અને ધન કચરાના વ્યવસ્થાપન યુકત ગ્રામીણ ગુજરાત નિર્માણ’ સમારોહમાં મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ની ઉપસ્થિતિમાં મહામહિમ રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલી અને રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી નાં વરદ હસ્તે જીલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષ વ્યાસ (આઈ .એ.એસ) ને રૂ. ૧,૦૦,૦૦૦ (એક લાખ ) નો ચેક અને શિલ્ડ અર્પણ કરવામાં આવેલ.
જીલ્લા વિકાસ અધિકારીશ્રીએ આ સફળતા માટે જીલ્લાની સમગ્ર વહીવટી ટીમ, પદાધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓ, નિગરાની કમિટીના સભ્યો, અને જીલ્લાના પ્રજાજનોનો મહત્વનો ફાળો છે. આપણા જીલ્લાને સ્વચ્છતા તથા અન્ય તમામ ક્ષત્રોમાં શ્રેષ્ઠતમ બનાવવા સદૈવ આપના સક્રિય સહયોગ માટે નમ્ર અપીલ કરું છું.

 

ખર્ચ મોનીટરીંગ અંગેની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૭ અંતર્ગત ખર્ચ મોનીટરીંગ સેલના નોડલ અધિકારીશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસએ ખર્ચ મોનીટરીંગ અંગેની તમામ ટીમોના કર્મચારીઓ/અધિકારીઓને વિવિધ ટીમોના રોજે રોજના અહેવાલ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એમ.આર.પરમાર, હિસાબી અધિકારશ્રી જે.એ.બારોટ, જિલ્લા તિજોરી અધિકારીશ્રી જી.પી.વણજારા, નાયબ માહિતી અધિકારીશ્રી આર.એસ. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

1 2 3 4